ગઝલ સમ્રાટ પંકજ ઉધાસે પોતાના મધુર અવાજથી ભારતીય સંગીત જગતમાં અનેક ગીતોને અમર બનાવ્યા છે. તેમનું ગાયેલું એક એવું ગીત છે જેને આજે પણ કોઈ અન્ય ગાયકના અવાજમાં કલ્પવું મુશ્કેલ લાગે છે, તે છે – ‘ના કજરે કી ધાર’. પરંતુ શું તમે જાણો છો કે આ ગીત પંકજ ઉધાસે ગાયાના લગભગ ત્રણ દાયકા પહેલા જ રેકોર્ડ થઈ ચૂક્યું હતું? જો આ ગીત 1960ના દાયકામાં મુકેશજીના અવાજમાં રિલીઝ થયું હોત, તો સંગીતનો ઇતિહાસ કંઈક અલગ જ હોત. આજે જાણીએ સુપરહિટ સોન્ગ ‘ના કજરે કી ધાર’…નો રસપ્રદ ઇતિહાસ. મુકેશજીનું ગીત કેવી રીતે પંકજ ઉધાસ પાસે આવ્યું અને બ્લોક બસ્ટર બન્યું.
1960માં રચાઈ હતી મૂળ ધૂન: મુકેશે આપ્યો હતો અવાજ
છેલ્લા ૩૦ વર્ષથી લોકોના દિલ પર રાજ કરી રહેલું આ સદાબહાર ગીત ખરેખર ૧૯૬૦ના દાયકામાં તૈયાર કરવામાં આવ્યું હતું. જાણીતી સંગીતકાર જોડી કલ્યાણજી-આનંદજીએ આ ધૂન બનાવી હતી અને તેને મહાન ગાયક મુકેશના અવાજમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. જે ફિલ્મ માટે આ ગીત રેકોર્ડ કરાયું હતું તે ફિલ્મ ક્યારેય પૂરી જ ન થઈ અને ગીત પણ કબાટના કોઈ ખૂણામાં બંધ થઈને રહી ગયું.
